તમે કિયા તે ગામનાં ગોરી રાજ અચકો મચકો કાં રે લી…..
તમે મારાં દેવનાં દીધેલ છો, તમે મારાં માગી લીધેલ છો
આવ્યાં ત્યારે અમર થઈને રો………
આવા વિવિધ પ્રકારના ગીતો તમે સાંભળ્યા હશે અને ગાયા પણ હશે. ગીતો ઘણાં બધાં પ્રકારના હોય છે જેમ કે, બાળગીત, દેશભક્તિ ગીત, હાસ્ય ગીત વગેરે. ઉપર જણાવેલ ગીતોનો પણ એક પ્રકાર છે અને તે છે “લોકગીત”.
‘લોકગીત એટલે લોકો વડે ઘડાતું અને ગવાતું ગીત. કંઠસ્થ સાહિત્યમાં પરંપરાથી ઊતરી આવેલ કે કોઈ અજ્ઞાત ગીતકારે જોડી વહેતું મૂકેલું તે ગાન, ‘ફોકસૉંગ’.
લોકગીતોના પણ વિવિધ પ્રકારો છે જે આ પ્રમાણે છે : ગાથા અથવા ભજનોના રૂપમાં આવિર્ભાવ પામેલું સાહિત્ય. તેમાં મંદિરો વગેરે ધર્મસ્થાનોમાં ગવાતાં ભજનો અને કીર્તિનો તથા જાગરણ, મોળાક્ત વગેરે પ્રસંગે શેરીમાં ગવાતા વિનોદપ્રદ ગીતોનો સમાવેશ થાય છે. મરસિયા કે રાજિયા વગેરે શોકપૂર્ણ ગીતો તથા ભાટ, ચારણ, વહીવંચા, ગઢવીના દુહા, કવિતા તથા રાસ જેવાં ઐતિહાસિક ગીતો પણ તેમાં સમાવિષ્ટ થાય છે. માળવા, રજપૂતાનામાં ગવાતા માંડ, મેવાડામાં ગવાતા મેવાડા, બનારસમાં વરસાદના દિવસોમાં ગવાતા કજ્જલી, આગ્રા તથા મથુરામાં ગવાતાં રસિયા, બંગાળામાં એક જ ઢબથી ગવાતાં કીર્તનો અને ગુજરાતમાં ગુજરાતણોના ગરબાનો સમાવેશ થાય છે.
લોકગીત એ સાહિત્યનું આગવું અંગ છે. જે ગીતો લોકોમાં કર્ણોપકર્ણ પ્રસિદ્ધ થયેલાં હોય છે. મોટાભાગે તો અલગ અલગ સમયાંતરે લોકસમાજને અસરકર્તા કે યાદગીરીરૂપ બનેલ ઘટનાઓને આ ગીતોમાં વણી લેવામાં આવેલ હોય છે. અમુક લોકગીતોનાં રચનાકારનો સંદર્ભ મળતો હોય છે,પરંતુ મોટાભાગનાં લોકગીતોનાં રચનાકાર, કાં તો અનામિ હોય છે કે સમયાંતરે તેમાં ઘણાં લોકોનો સહયોગ મળેલો હોય છે. અમુક ગીતો તમામ ભાષાવાસીઓમાં,તો અમુક નાના નાના પ્રદેશો પુરતા પ્રસિદ્ધ હોય શકે છે.
ગુજરાતી ભાષાનાં સાહિત્યમાં લોકગીતોનો અનેરો ફાળો રહેલો છે. ગુજરાતનાં વિવિધ પ્રદેશોમાં ઘણાં પોતીકા લોકગીતો હોય છે. જે અમુક પ્રસંગ કે જીવનશૈલીને ઉજાગર કરે છે. દુનિયાની લગભગ તમામ ભાષાઓમાં તેના પોતીકા લોકગીતો હોય છે. આવું જ એક ગુજરાતી લોકગીત……
દાદા હો દીકરી, દાદા હો દીકરી,
વાગડમાં નવ દેજો રે સૈ.
વાગડની વઢિયાળી સાસુ, દોહ્યલી રે…. દાદા…
દિ’એ દળાવે મને, દિ’એ દળાવે,
રાતડીએ કંતાવે રે સૈ,
પાછલે તે પરોઢીએ પાણીડાં મોકલે રે…. દાદા…
ઓશીકે ઈંઢોણી મારે, ઓશીકે ઈંઢોણી,
પાંગતીએ સિંચણિયું રે સૈ,
સામે તે ઓરડીએ વહુ તારું બેડલું રે…. દાદા….
ઘડો ન ડૂબે મારો, ઘડો ન ડૂબે,
સિંચણિયું નવ પહોંચે રે સૈ,
ઊઠ્યો ને આથમ્યો કૂવા કાંઠડે રે…. દાદા…..
ઊડતા પંખીડાં મારો, ઊડતાં પંખીડાં મારો,
સંદેશો લઈ જાજો રે સૈ,
દાદાને કહેજો કે દીકરી કૂવે પડે રે….. દાદા….
કૂવે ન પડજો દીકરી, કૂવે ન પડજો,
અજવાળી આઠમના આણા આવશે રે… દાદા….
આમ, આપ સૌ કોઈને વિવિધ લોકગીતો પુસ્તકો સિવાય આ અત્યાધુનિક જમાનામાં આપને ઇન્ટરનેટ પર પણ ઉપલબ્ધ છે.
દોહ્યલ – દુઃખ; કષ્ટ.
ઈંઢોણી – માથા ઉપર ભાર ઉપાડતી વખતે ભાર માથામાં ન ખૂંચે એ માટે મૂકવાનું
ઘાસનું ગૂંથીને કરવામાં આવતું ફીંડલું, ઉઢાણી
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.